ગગનયાન / ચારેય પાયલટ ને રશિયાના એ જ સેન્ટરમાં ટ્રેનિંગ જ્યાં 1984 માં ભારત દેશના પહેલાં અંતરિક્ષ યાત્રી રાકેશ શર્માએ ટ્રેનિંગ લીધી હતી.

મોસ્કો: ભારતના પહેલા માનવ મિશન ગગનયાન માટે પસંદ કરવામાં આવેલા ચારેય અંતરિક્ષયાત્રીઓની રશિયામાં ટ્રેનિંગ શરૂ થઇ ગઇ છે. ગાગરિન કોસ્મોનોટ ટ્રેનિંગ સેન્ટરમાં તેમને આ મિશન માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ એ જ સેન્ટર છે જ્યાં ભારતના પહેલા અંતરિક્ષયાત્રી રાકેશ શર્મા અને તેમના સહયોગી રવીશ મલ્હોત્રાને ટ્રેનિંગ આપવામાં આવી હતી. જોકે રવીશ ક્યારેય અંતરિક્ષની યાત્રા કરી શક્યા ન હતા.
ગાગરિન ટ્રેનિંગ સેન્ટરના હેડ પાવેલ વલાસોવે રશિયા ટુડેને આ ટ્રેનિંગ વિશે અમુક જાણકારી આપી હતી. જોકે એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે કોઇ પણ પરિસ્થિતિમાં ભારતીય અંતરિક્ષયાત્રીઓની ઓળખ ઉજાગર થાય નહીં. જાણકારો પ્રમાણે ભારતીય વાયુસેનાના પાયલટ જે ટ્રેનિંગ સેન્ટરમાં છે તે મોસ્કોથી અમુક કિલોમીટરના અંતરે છે. આ સેન્ટરમાં આજે પણ અંતરિક્ષયાત્રી યૂરી ગાગારિનની પ્રતિમા લાગેલી છે. ગાગરિન પહેલી વ્યક્તિ હતા જેમણે આઉટર સ્પેસમાં પગલું ભર્યું હતું. અહીં ટ્રેનિંગ કરી રહેલા ભારતીયો એ બિલ્ડીંગમાં રહે છે જ્યાં એલેક્સી લિયોનેવે ક્યારેક સ્પેસવોક કરવાનું શીખ્યું હતું. લિયોનેવ અંતરિક્ષમાં વોક કરનાર વિશ્વની પહેલી વ્યક્તિ હતા.
ભારતીય અંતરિક્ષયાત્રી એક વર્ષ ટ્રેનિંગ કરશે
સામાન્ય રીતે કોઇ પણ સ્પેસ મિશનમાં જવા માટે લાયક બનવા રશિયન અંતરિક્ષયાત્રીઓને પાંચ વર્ષની આકરી ટ્રેનિંગમાંથી પસાર થવું પડે છે. પરંતુ ભારતે 2022ની શરૂઆતમાં માનવ મિશન મોકલવાનો નિર્ણય કર્યો છે. તેના કારણે ભારતીય અંતરિક્ષયાત્રીઓ માટે 12 મહિનાનો ટ્રેનિંગ પ્રોગ્રામ ડિઝાઇન કરવામાં આવ્યો છે. ગાગરિન ટ્રેનિંગ સેન્ટરના હેડ વલાસોવ પ્રમાણે આ ટ્રેનિંગ પ્રોગ્રામ ખાસ કરીને ભારતીય અંતરિક્ષયાત્રીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં એડવાન્સ એન્જિનિયરિંગ કોર્સ સાથે સામાન્ય સ્પેસ ટ્રેનિંગ અને ફિઝિકલ કન્ડીશનિંગ સામેલ છે.
સોયૂજની બારીકાઇ સમજવા માટે ભારતીયો રશિયન ભાષા શીખી રહ્યા છે
પાવેલે જણાવ્યું કે ભારતીય અંતરિક્ષયાત્રી એક વર્ષ આ ટ્રેનિંગ સેન્ટરમાં વિતાવશે. એવી આશા છે કે આ દરમિયાન રશિયન સ્પેસશીપ સોયૂજની દરેક બારીકીને સમજી લેશે જેથી ગગનયાન આસાનીથી ઉડાવી શકે. તેના માટે તેઓ રશિયન ભાષા શીખી રહ્યા છે કારણ કે સોયૂજની અંદર દરેક મશીનની કોડીંગ આ ભાષામાં જ છે. જોકે જાણકારો એવા પ્રયત્ન કરી રહ્યા છે કે ઓછા સમયમાં તેઓ આ ભાષા શીખી લે. તેના માટે એવા જાણકાર રાખવામાં આવ્યા છે જેમને રશિયન સાથે સારું અંગ્રેજી પણ આવડે છે જેથી તાલીમમાં કોઇ સમસ્યા ન આવે. જોકે વર્તમાન નિયમો પ્રમાણે તાલીમ માત્ર રશિયન ભાષામાં જ આપી શકાય છે.
રશિયન ભાષા સાથે ભોજન પણ મોટો પડકાર
અહીં આ ભાષા સાથે ભોજન પણ એક પડકાર છે. તેનાથી નિપટવા માટે ભારતીયો રશિયન અંતરિક્ષયાત્રીઓ સાથે ભોજન લઇ રહ્યા છે. જીસીટીસીના હેડનું કહેવું છે કે અહીંનું ભોજન ભારત કરતા ઘણું અલગ છે. પરંતુ ભારતીય વાયુસેનાના અધિકારીઓ ધીમે ધીમે તેને અપનાવી રહ્યા છે. અહીં કુકને નિર્દેશ આપવામાં આવ્યા છે કે ભારતીયોને માત્ર શાકાહારી ભોજન આપવામાં આવે અને જો તેઓ માંસાહાર કરવા માંગતા હોય તો કોઇ પણ પરિસ્થિતિમા તેમને બીફ પીરસવામાં ન આવે.
સર્વાઇવલ કોર્સ ખૂબજ અગત્યનો
ટ્રેનિંગનો સૌથી રોમાંચક ભાગ સર્વાઇવલ કોર્સ છે. તેમાં કોઇ પણ અણધારી પરિસ્થિતિમાં ભારતીય અંતરિક્ષયાત્રીઓને બચાવવાની શીખ અપાઇ રહી છે. તેમાં તેમને જણાવવામાં આવી રહ્યું છે કે ધરતી પર પાછા ફરતી વખતે જો તેમનું યાન કોઇ જંગલમાં લેન્ડ થાય તો શું કરવાનું છે. અત્યારે અંતરિક્ષયાત્રી મોસ્કોની આસપાસના જંગલના વિસ્તારોમાં ટ્રેનિંગ કરી રહ્યા છે. તેના વિશે ગાગરિન ટ્રેનિંગ સેન્ટરના પ્રમુખે જણાવ્યું કે પહેલા તેમને ક્લાસરૂમ ટ્રેનિંગ આપવામાં આવશે. અભ્યાસ બાદ બે ભારતીય અંતરિક્ષયાત્રીઓની ટીમ રશિયન ઇન્સ્ટ્રક્ટર સાથે 3 દિવસ અને 2 રાતના સર્વાઇવલ કોર્સ માટે જશે. તેમાં તેમને જંગલ અને અજાણ્યા સ્થળો પર સ્પેસશીપના લેન્ડિંગ થવાની પરિસ્થિતિમાં કેવી રીતે બચવું પડશે, તે શીખવવામાં આવશે. જોકે આ દરમિયાન તેઓ એકલા નહીં હોય. ડોક્ટરોની ટીમ તેમના પર નજર રાખશે. તેમને સોયૂજમાં ઉપસ્થિત ઇમરજન્સી સપ્લાયના આધારે જીવતા રહેવું પડશે. વલાસોવ પ્રમાણે ભારતીયો માટે આ સરળ નહીં હોય કારણ કે તેઓ રશિયામાં પડનારી ભયંકર ઠંડીના અભ્યાસુ નથી. તેમને સ્વસ્થ થવા માટે એક અઠવાડિયાનો સમય મળશે.
ભારતીય અંતરિક્ષયાત્રી ઘાસના મેદાન અને સમુદ્રમાં ટ્રેનિંગ કરશે
ભારતીયો માટે બરફથી ઢંકાયેલા જંગલોમાં પોતાને બચાવી રાખવા એક મોટો પડકાર છે. ત્યારબાદ તેમને સમુદ્ર અને નદી કિનારે ઘાસના લાંબા મેદાનમાં સર્વાઇવલ કોર્સ કરવો પડશે. રશિયન ટ્રેનિંગ સેન્ટરના પ્રમુખનું માનવું છે કે ભારતીય અંતરિક્ષયાત્રી આ ટ્રેનિંગ પૂરી કરી લેશે. કારણ કે તેમને સેનાનો ખાસ્સો અનુભવ થઇ ચૂક્યો છે અને આ મિશન માટે પસંદ કરવામાં આવેલા દરેક ભારતીય ટેસ્ટ પાયલટ છે જેમને હજારો કલાકનો ફ્લાઇંગનો અનુભવ છે. તે સિવાય ફ્લાઇટ એન્જિનિઅરીંગની પણ બારીક જાણકારી છે.
ગગનયાન માનવ મિશનમાં 3 ક્રૂ મેમ્બર હશે
ISRO 2022માં ગગનયાન માનવ મિશન લોન્ચ કરશે જેમાં 3 ક્રૂ મેમ્બર રહેશે. કોઇ મહિલાને અંતરિક્ષમાં મોકલવામાં નહીં આવે તેથી માનવ મિશન પહેલા ISRO મહિલાના ચહેરા વાળી હ્યૂમનોઇડ વ્યોમમિત્રાને અંતરિક્ષ મોકલશે. ISRO ચીફ સીવને કહ્યું હતું કે ગગનયાનના અંતિમ મિશન પહેલા ડિસેમ્બર 2020 અને જુલાઇ 2021માં અંતરિક્ષમાં માનુષ્યો જેવા રોબોટ મોકલવામાં આવશે
ફાઇલ તસવીર 

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

શિક્ષણક્ષેત્રમાં જાણીતા એવા શિક્ષક બળદેવ પરી ને સુભદ્રાબેન શ્રોફ એવોર્ડ એનાયત થયો.

દીપકભાઈ પટેલ ની લાડકી દીકરી કુમારી શિવાની પી પી સવાણી યુનિવર્સિટી માં ક્લાસિકલ વોકેલ સોલો માં પ્રથમ વિનર