Crime / સુરતના ખંડણીખોર વસીમ બિલ્લાની લેતીદેતી ના મામલે નવસારીમાં ગોળી મારી હત્યા.

છાપરા રોડ પર જીમમાંથી નીકળી કારમાં બેસવા જતા જ વસીમ પર અજાણ્યા હુમલાવરોએ કર્યો ગોળીબાર
સુરતનાં માથાભારે અને ત્રણ મહિનાથી તડીપાર થયેલા વસીમ બિલ્લાને બુધવારે મોડી રાતે નવસારીના છાપરા રોડ સ્થિત મણીનગર ૧ ના ગેટ નજીક ચાર અજાણ્યા હુમલાખોરોએ ઉપરાછાપરી ત્રણથી ચાર ગોળીઓ ધરબીને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર રેંજની પોલીસ દોડતી થઇ હતી. ઘટનાની જાણ થતા નવસારી જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વસીમ બિલ્લાને શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, સુરતના ઝાંપા બજારમાં રહેતા અને કુખ્યાત વસીમ મિર્ઝા ઉર્ફે વસીમ બીલ્લાને ગુજરાત હાઈકોર્ટે સુરત શહેરમાંથી એક વર્ષ માટે તડીપાર કર્યો હતો. જેથી વસીમ બિલ્લા છેલ્લા ત્રણ મહિનાથી નવસારીના  રંગુનનગર ખાતે આવેલા એપાર્ટમેન્ટમાં પિતા સાથે રહેતો હતો. વસીમ ખંડણી, મારપીટ તેમજ દારૂના ધંધા સાથે સંકળાયેલો હતો, સાથે જ બોલીવુડમાં પણ તેણે કિસ્મત અજમાવી જોયુ હતુ અને સાઈડ રોલ પણ કર્યા હતા. વસીમ સુરતના કુખ્યાત નાસિર સુરતી અને તેના ભાઈની ગેંગ માં સામેલ થઈને ભાઈગીરી અને ખંડણી ઉઘરાવવાનું કામ પણ કરતો હતો. જયારે વસીમને એક શખ્સ સાથે ૫ કરોડ રૂપિયાની લેતીદેતી મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો. રોજ જીમ કરતો વસીમ નવસારીના છાપરા રોડ પર આવેલા બોસ જીમમાં આવતો હતો, જેથી તેની વિરોધી ગેંગ અથવા રૂપિયાની લેતીદેતી પ્રકરણમાં તેની ફિલ્ડીંગ ગોઠવવામાં આવી હતી.  બુધવારે રાતે ૧૦:૩૦ વાગ્યાના સુમારે વસીમ જીમમાંથી નીચે ઉતરી તેની ક્રેટા કારમાં બેસવા જતો હતો, ત્યારે અચાનક ત્રણથી ચાર બરમુડા પેહરેલા અજાણ્યા હુમલાવરોએ તેના ઉપર ત્રણથી ચાર રાઉન્ડ ગોળીબાર કરતા વસીમ બિલ્લો ઘટના સ્થળે જ ઢળી પડ્યો હતો. જયારે હુમલા બાદ હુમલાખોરો ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતા જ નવસારી જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વસીમ બિલ્લાને ગંભીરાવસ્થામાં નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ડોકટરે તેને તપાસ્યા બાદ મૃત જાહેર કર્યો હતો. જેથી પોલીસે પ્રથમ નવસારી સિવિલ હોસ્પિટલ અને બાદમાં સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડ્યો હતો. ઘટનાને પગલે સુરત રેંજ આઈજીપી રાજકુમાર પાંડિયન પણ નવસારી પહોંચ્યા હતા અને ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે જિલ્લાના સંબંધિત અધિકારીઓ સાથે ઘટના સંદર્ભે ચર્ચા કરી હતી.  સમગ્ર મુદ્દે વસીમના ભાઈ ફારૂક શેખની ફરિયાદનાં આધારે પોલીસે અજાણ્યા હુમલાવરો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.



બીજી તરફ ઘટના સ્થળે પોલીસે કારને કોર્ડન કરી એફએસએલની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં કાર નજીક બુલેટનો એક સેલ મળી આવ્યો હતો.  સાથે જ સમગ્ર રેંજમાં નાકાબંધી, વાહન ચેકિંગ સહિત હોટલો અને ધાબાઓમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જયારે સમગ્ર મુદ્દે ગેંગવોર છે કે કેમ એ દિશામાં તપાસ શરૂ કરી છે. જો ગેંગવોર હોય, તો નવસારીમાં પ્રથમ બનાવ હશે.

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

શિક્ષણક્ષેત્રમાં જાણીતા એવા શિક્ષક બળદેવ પરી ને સુભદ્રાબેન શ્રોફ એવોર્ડ એનાયત થયો.

દીપકભાઈ પટેલ ની લાડકી દીકરી કુમારી શિવાની પી પી સવાણી યુનિવર્સિટી માં ક્લાસિકલ વોકેલ સોલો માં પ્રથમ વિનર